કંગના રનૌત લડી શકે છે 2024 ની લોકસભાની ચુંટણી , ભાજપ આપી શકે છે ટિકિટ?

Spread the love

ફિલ્મોમાં પોતાના ધાકડ અંદાજ અને દમદાર એક્ટિંગથી ધમાલ મચાવનારી એક્ટ્રેસ કંગના રનૌત હવે રાજકારણમાં પણ ઝંપલાવવાની છે. કંગનાને લઈને લાંબા સમયથી એવી ચર્ચા થઈ રહી હતી કે તે લોકસભાની ચૂંટણી લડશે. હવે આ અહેવાલોને એક્ટ્રેસના પિતા અમરદીપ રનૌતે કન્ફર્મ કર્યા છે. ગ્લેમર વર્લ્ડની ક્વીન હવે રાજકારણમાં પણ ચમકવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, કંગનાના પિતા અમરદીપ રનૌતે સ્પષ્ટ કર્યું છે કે, એક્ટ્રેસ ફક્ત ભાજપની ટિકિટ પર જ ચૂંટણી લડશે. જોકે, કંગના કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે પાર્ટી નક્કી કરશે.

થોડા દિવસ પહેલા જ ગુજરાતના દ્વારકામાં કંગનાએ કહ્યું હતું કે, ઈશ્વરની કૃપા રહી તો તે ચૂંટણી લડશે. ત્યારથી જ કંગના રાજકારણમાં ઝંપલાવશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. તાજેતરમાં જ કંગનાએ બિલાસપુરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે બાદ તે મનાલી ખાતે પોતાના ઘરે પહોંચી હતી. બે દિવસ પહેલા કંગનાએ કુલ્લુમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. દરમિયાન તેના પિતાએ ચૂંટણી લડવાની વાતની પુષ્ટિ કરી હતી. ચર્ચા છે કે, કંગના રનૌતને ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ચંડીગઢ કે હિમાચલ પ્રદેશથી ટિકિટ આપવામાં આવી શકે છે. જોકે, હજી કંઈ નક્કી નથી.

ચંડીગઢની ભાજપની બેઠકની વાત કરીએ તો કિરણ ખેર અહીંના સાંસદ છે. કિરણ અહીંથી સતત બેવાર વિજેતા બન્યા છે. 2014 અને 2019ની ચૂંટણીમાં તેઓ જીત્યાં હતાં. ચર્ચા છે કે, ચંડીગઢમાં ભાજપ પોતાના પ્લાન અંતર્ગત કેટલાય સાંસદોની ટિકિટ કાપી શકે છે. ચંડીગઢમાં હિમાચલ પ્રદેશના લોકોની પણ ઘણી વસ્તી છે. એવામાં કંગનાને આ બેઠક અપાય તેવી સંભાવના છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ ભાજપ માટે પ્રતિષ્ઠાનો વિષય છે. 2014 અને 2019માં ભાજપે આ સીટ પર જીત મેળવી હતી. પરંતુ 2021ની પેટાચૂંટણીમાં હાર થઈ હતી. હવે આ બેઠક જીતવા માટે ભાજપ જાદુઈ ચહેરો શોધી રહી છે. ભાજપના મિશન 400 માટે હિમાચલ જેવા રાજ્યની તમામ ચાર બેઠકો પર જીત મેળવવી જરૂરી છે. કંગના પોતે મંડીની વતની છે. એવામાં કંગનાને આ બેઠક પરથી ઉતારવાનું પ્લાનિંગ પણ થઈ શકે છે.

કંગના રનૌતના વર્કફ્રંટની વાત કરીએ તો, છેલ્લે તે ફિલ્મ તેજસમાં દેખાઈ હતી. જોકે, આ ફિલ્મને દર્શકોનો ખાસ રિસપોન્સ નહોતો મળ્યો. હવે કંગના ફિલ્મ ઈમર્જન્સીમાં જોવા મળશે. આ ફિલ્મને તેણે જ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં કંગના ભારતનાં પૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધીના રોલમાં દેખાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *