રવિન્દ્ર જાડેજાના પિતાએ રિવાબા જાડેજાને ‘વિલન’ કહેતા વિવાદ સર્જાયો.

Spread the love

ક્રિકેટર રવિંદ્ર જાડેજાના પરિવારમાં ચાલી રહેલો વિખવાદ સપાટી પર આવ્યો છે. રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ હાલમાં જ કહ્યું છે કે, દીકરાના લગ્ન પછી બધું જ બદલાઈ ગયું. અનિરુદ્ધસિંહ જાડેજાએ દીકરા રવિન્દ્ર સાથે કોઈ સંપર્ક ના હોવાનું જણાવ્યું છે. તો બીજી તરફ રવિન્દ્રનું પિતાના નિવેદન અંગે કંઈક અલગ જ કહેવું છે.

ભારતના ઓલ-રાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજા અને તેના પરિવાર વચ્ચે ચાલી રહેલો વિખવાદ હાલ ચર્ચાનું કેંદ્ર બન્યો છે. રવિન્દ્ર જાડેજાએ હાલમાં જ ટ્વિટ કરીને પિતાની વાતને વખોડી કાઢી હતી. અનિરુદ્ધસિંહ જાડેજાનું કહેવું હતું કે પુત્રવધૂ રિવાબા જાડેજાએ પરિવારમાં ફૂટ પડાવી છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ તો એવો પણ દાવો કર્યો તેમનો દીકરા સાથે કોઈ સંબંધ નથી.

હાલમાં જ એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું, “હું સત્ય કહું તેમ ઈચ્છો છો? મારે દીકરા રવિન્દ્ર અને તેની પત્ની રિવાબા સાથે કોઈ સંબંધ નથી. તેઓ અમને બોલાવતા નથી અને અમે પણ તેમને બોલાવતા નથી. રવિન્દ્રના લગ્નના બે-ત્રણ મહિના પછી જ પરિવારમાં વિખવાદ શરૂ થયો હતો. હાલ હું જામનગરમાં એકલો જ રહું છું જ્યારે રવિન્દ્ર પોતાના અલગ બંગલામાં રહે છે. રવિન્દ્ર અને હું એક જ શહેરમાં રહીએ છીએ છતાં અમારે મળવાનું નથી થતું. તેની પત્નીએ તેના પર શું જાદુ કર્યો છે એ સમજાતું નથી.”

પિતાના આ દાવાને રવિન્દ્ર જાડેજાએ વખોડી કાઢ્યો છે. સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ મૂકીને રવિન્દ્રએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. “હાલમાં જ આપેલા વાહિયાત ઈન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયેલી વાત છે. જેને હું નકારું છું. મારાં ધર્મપત્નીની છબી ખરડવાના જે પ્રયાસો કરવામાં આવેલા છે તે ખરેખર નીંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું જાહેરમાં ના કહું ત્યાં સુધી જ સારું છે”, તેમ રવિન્દ્ર જાડેજાએ ગુજરાતી ભાષામાં લખેલી પોસ્ટમાં લખ્યું છે. સાથે જ કેપ્શનમાં લખ્યું, “સ્ક્રીપ્ટેડ ઈન્ટરવ્યૂમાં જે કહેવાયું છે તેની અવગણના કરો.”

જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા જાડેજા જામનગર (ઉત્તર)થી ભાજપના ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે. તેમણે નણંદ નયનાબા જાડેજાને આ બેઠક પરથી હરાવ્યા છે. નયનાબા જાડેજા કોંગ્રેસ તરફથી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા.

અનિરુદ્ધસિંહ જાડેજાએ ઈન્ટરવ્યૂમાં પોતાની પીડા ઠાલવતાં કહ્યું, “તે મારો દીકરો છે અને મારો જીવ બળે છે. કાશ મેં તેના લગ્ન જ ના કરાવ્યા હોત. જો તે ક્રિકેટર જ ના બન્યો હોત તો સારું. તો અમારે આજે આ બધું જોવાનો વારો ના આવ્યો હોત.” રિવાબા પર આક્ષેપો કરતાં અનિરુદ્ધસિંહે કહ્યું, “લગ્નના 3 મહિનામાં જ રિવાબાએ કહ્યું કે, બધું જ તેના નામે ટ્રાન્સફર કરી દેવું. તેણે અમારા પરિવારમાં ફાટ પડાવી છે. તેને પરિવારથી અલગ રહીને સ્વતંત્ર જિંદગી જીવવી હતી. હું ખોટો હોઈ શકું અને નયનાબા (રવિન્દ્રની બહેન) પણ ખોટી હોઈ શકે પરંતુ પરિવારના તમામ 50 સભ્યો કેવી રીતે ખોટા હોઈ શકે? પરિવારમાં કોઈની વચ્ચે સુમેળ રહ્યો નથી, ફક્ત નફરત છે. હું કશું છુપાવીશ નહીં. મેં મારી પૌત્રીનો ચહેરો પાંચ મહિનાથી નથી જોયો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *