મૂળ ભારતીય એવા 41 વર્ષના વિવેક તનેજાની અમેરિકામાં હત્યા.

Spread the love

અમેરિકામાં વધુ એક ભારતીયનું મોત થયું છે. 41 વર્ષના ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ પર ડાઉનટાઉન વોશિંગ્ટનની એક રેસ્ટોરાંની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. વોશિંગ્ટન ડીસીમાં આવેલા અને સીબીસી સાથે સંલગ્ન ટીવી સ્ટેશન WUSAના અહેવાલ અનુસાર, મૃતકની ઓળખ વિવેક તનેજા તરીકે થઈ છે. રેસ્ટોરાંની બહાર વિવેક તનેજાની અજાણ્યા શખ્સ સાથે બોલાચાલી થઈ હતી.

અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. 2024ની શરૂઆતથી જ ભારતીય વિદ્યાર્થીઓના મોતના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. હવે તેમાં ઉમેરો કરતી વધુ એક ઘટના બની છે. ભારતીય મૂળના એક યુવકનું અમેરિકામાં મૃત્યુ થયું છે. ડાઉનટાઉન વોશિંગ્ટન ખાતે આ યુવકનો અજાણ્યા શખ્સ સાથે ઝઘડો થયો હતો, જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સારવાર દરમિયાન 41 વર્ષના ભારતીય મૂળના એક્ઝિક્યુટિવનું મૃત્યુ થયું છે. મૃતકની ઓળખ વિવેક તનેજા તરીકે થઈ છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, 2 ફેબ્રુઆરીએ રાત્રે 2 કલાકની આસપાસ 1100 બ્લોકની 15th સ્ટ્રીટ નોર્થવેસ્ટમાં આવેલી શોટો રેસ્ટોરાંની બહાર વિવેક પર હુમલો થયો હોવાની જાણકારી પોલીસને મળી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે વિવેક ફૂટપાથ પર ઘાયલ હાલતમાં મળ્યો હતો. વિવેકની ગંભીર ઈજાઓને જોતાં તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, રેસ્ટોરાંની બહાર વિવેક તનેજા અને અજાણ્યા શખ્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં મારામારીમાં પરિણમી હતી. વિવેકને જોરથી માર મારવામાં આવતાં તે જમીન પર પટકાયો હતો અને તેનું માથું ફૂટપાથ પર પછડાયું હતું. જેથી તેને ગંભીર ઈજા થઈ હતી. વિવેકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી એ દરમિયાન 7 ફેબ્રુઆરીને બુધવારે તેનું મૃત્યુ થયું.

પોલીસે વિવેક તનેજાના મૃત્યુને હત્યાનો કેસ ગણીને વધુ તપાસ શરૂ કરી છે. વિવેકને જોરથી મુક્કો મારનારા શકમંદનો ચહેરો સર્વેલન્સ કેમેરામાં કેદ થયો છે. મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટ (MPD)એ આ શખ્સની ઓળખ કરવા અને તેને શોધવા માટે સ્થાનિકોની મદદ માગી છે. વિવેકની મોત માટે જવાબદાર શખ્સ કે શખ્સોની માહિતી આપનારા વ્યક્તિને 25 હજાર ડોલરનું ઈનામ આપવાની જાહેરાત પોલીસે કરી છે, તેમ મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખ છે. પોલીસ ડિપાર્ટમેન્ટે નંબર પણ જાહેર કર્યો છે, જેના પર SMS કે ફોન કરીને શકમંદ અંગે જાણકારી આપી શકાય.ભારતીય મૂળનો વિવેક તનેજા ડાયનેમો ટેક્નોલોજીસ નામની કંપનીનો કો-ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ હતો. કંપનીની વેબસાઈટ પ્રમાણે, વિવેક તનેજા ડાયનેમોની સ્ટ્રેટજી, ગ્રોથ અને પાર્ટનરશીપ ઈનિશિયેટિવનું કામ સંભાળતો હતો.અહીં મહત્વનું છે કે, ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં જ શિકાગોમાં સૈયદ મઝાહિર અલી નામના ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયો હતો. મઝાહિર અલી પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો એ વખતે ચાર શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો. તેઓ તેનો ફોન અને પર્સ લૂંટીને જતા રહ્યા હતા. એ પહેલા ભારતીય મૂળના 25 વર્ષીય વિદ્યાર્થી વિવેક સૈની પર જ્યોર્જિયા સ્ટેટના લિથોનિયા શહેરમાં એક ડ્રગ એડિક્ટે હુમલો કર્યો હતો. હથોડાના ઘા મારીને વિવેકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ સિવાય પણ અન્ય ચાર ભારતીય વિદ્યાર્થીઓનું ચાલુ વર્ષે અમેરિકામાં મૃત્યુ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *