કોર્ટની દેખરેખમાં તપાસ કરવા માંગણી: હરણીકાંડમાં મૃતક બાળકના પિતા સુપ્રીમમાં ગયા.

Spread the love

વડોદરામાં 14 લોકોનો જીવ લેનારા હરણીકાંડમાં જે રીતે તપાસ થઈ રહી છે તેના પર મૃત બાળકોના વાલીઓને વિશ્વાસ નથી. એક બાળકના પિતા સુપ્રીમ કોર્ટમાં ગયા છે અને આ ઘટનાની તપાસ કોર્ટની દેખરેખમાં થાય તેવી ડિમાન્ડ કરી છે. તેમણે શાળા અને કોન્ટ્રાક્ટર પાસેથી નોંધપાત્ર વળતર પણ મળવું જોઈએ તેવી માંગ કરી છે.

વડોદરાના હરણી તળાવમાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14નો ભોગ લેનારી બોટ દુર્ઘટનામાં એક મૃતક બાળકના પિતા સુપ્રીમ કોર્ટમાં ગયા છે. તેમણે આ કેસની તપાસ અદાલતની દેખરેખ હેઠળ કરવામાં આવે તેવી માંગણી કરી છે. 18 જાન્યુઆરીએ હરણી તળાવમાં એક બોટ ડુબી ગઈ હતી જેમાં શાળાની પિકનિક પર આવેલા બાળકો અને તેમના શિક્ષકોના મોત થયા છે. આ ઘટનામાં વિશ્વ નામના એક છોકરાનું પણ મૃત્યુ થયું હતું. વિશ્વના પિતા કલ્પેશ નિઝામાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માંગણી કરી છે કે આ ઘટનાની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવે.

તેમણે આ હરણીકાંડની તપાસ એક સ્વતંત્ર એજન્સી પાસેથી પણ કરાવવા ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત તેમણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા કલેક્ટરની ઓફિસ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે. કલ્પેશ નિઝામાએ ન્યૂ સનરાઈઝ સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી સામે પણ તપાસ કરવાની માંગણી કરી છે જેણે 82 બાળકો માટે પિકનિકનું આયોજન કર્યું હતું, પરંતુ બાળકોને બોટમાં બેસાડીને તળાવમાં લઈ જતી વખતે તેમની સુરક્ષા પર ધ્યાન આપ્યું ન હતું. લગભગ કોઈ બાળકને લાઈફ જેકેટ અપાયા ન હતા અને બોટમાં પણ ક્ષમતા કરતા બમણી સંખ્યામાં લોકોને બેસાડવામાં આવ્યા હતા. તેના કારણે જ્યારે બોટ ઉથલી પડી ત્યારે મૃત્યુઆંક બહુ મોટો થઈ ગયો હતો.

કલ્પેશ નિઝામાએ એવી માંગણી પણ કરી છે કે તળાવમાં બોટનું સંચાલન કરનાર કોન્ટ્રાક્ટર અને શાળાએ મૃતક બાળકોના પરિવારજનોને નોંધપાત્ર વળતર પણ ચૂકવવું જોઈએ. તેમણે અરજીમાં કહ્યું છે કે આ ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા વળતર તરીકે ચાર લાખની મામુલી રકમ ચૂકવવામાં આવે છે જે અપૂરતી છે.

કલ્પેશ નિઝામાના વકીલ ઉત્કર્ષ દવેએ જણાવ્યું કે કોટિયા પ્રોજેક્ટ્સને તળાવમાં બોટનું સંચાલન સોંપીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ભારે બેદરકારી દાખવી હતી કારણ કે 1993માં સૂરસાગર તળાવમાં પણ આવી જ રીતે બોટ ઉથલી ગઈ ત્યારે 22 લોકોના મોત થયા હતા. તે સમયે પણ સૂરસાગર તળાવના ડેવલપમેન્ટ અને મેન્ટેનન્સનું કામ કોટિયા પ્રોજેક્ટસ સંભાળતી હતી.

નિઝામાએ હરણીકાંડમાં સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા તે અગાઉ ગુજરાત હાઈ કોર્ટે આ ઘટનાની સુઓ મોટો નોંધ લીધી છે અને એક પીઆઈએલ ફાઈલ કરી છે જેના પર 29 જાન્યુઆરી સુધીમાં એક્શન ટેકન રિપોર્ટ આપવા ઓથોરિટીને જણાવવામાં આવ્યું છે.

હરણીકાંડના અનુસંધાને પોલીસે કોટિયા પ્રોજેક્ટ્સના પાર્ટનર બિનિત કોટિયાને પકડ્યો છે જેઓ તળાવમાં બોટના સંચાલન સાથે સંકળાયેલા છે. હરણી લેક ઝોનમાં બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ કોટિયા પ્રોજેક્ટને સોંપાયો હતો અને બિનિત કોટિયા તેમાં 5 ટકા હિસ્સો ધરાવે છે તથા ફર્મના મુખ્ય સ્થાપકો પૈકી એક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *