આખરે સિક્સ લેન બનશે અમદાવાદનો SP રિંગ રોડ:ટ્રાફિકનો પ્રશ્ન હળવો થશે

Spread the love

અમદાવાદ શહેરનો જે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે તેના કારણે હાલનો રિંગ રોડ પણ સતત ટ્રાફિકથી ભરપૂર રહે છે. આગામી દિવસોમાં આ રોડ સિક્સ લેનનો થવા જઈ રહ્યો છે. આ માટેની પ્રક્રિયા બે વર્ષ અગાઉ ઠપ થઈ ગઈ હતી. હવે ઔડા દ્વારા નવા કન્સલ્ટન્ટ નિયુક્ત કરીને પ્રક્રિયા ફરી શરૂ કરાશે.

અમદાવાદના એસ પી રિંગ રોડ પર દિવસ-રાત ટ્રાફિકનો ભારે ધમધમાટ રહે છે જેથી તેને વધુ પહોળો બનાવવો જરૂરી છે. SP Ring Roadને સિક્સ લેનનો બનાવવા માટે ફરીથી કાર્યવાહી શરૂ થઈ હતી. ઘણા સમયથી આ દિશામાં કંઈક પ્રગતિ થાય તેની રાહ જોવાતી હતી. હવે ઔડાએ આ પ્રોજેક્ટ માટે એક કન્સલ્ટન્ટ નિયુક્ત કરવાનું નક્કી કર્યું છે. બે વર્ષ અગાઉ એક એજન્સી 200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાંથી ખસી ગઈ ત્યારથી કામકાજ ઠપ હતું.

વર્ષ 2019માં અમદાવાદ રિંગ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (APRIL)એ આ પ્રોજેક્ટને 200 કરોડમાં પૂરો કરવા માટે સહમતી દર્શાવી હતી. પરંતુ આ કંપનીએ જ્યારે કન્સેશન એગ્રીમેન્ટને 3.5 વર્ષ માટે લંબાવવાની વાત કરી ત્યારે ઔડાએ તેની દરખાસ્ત સ્વીકારી ન હતી. તેના કારણે એપ્રિલ કંપની વર્ષ 2021માં આ પ્રોજેક્ટમાંથી નીકળી ગઈ હતી. ઔડાએ આ પ્રોજેક્ટ માટે વિગતવાર રિપોર્ટ તૈયાર કરવા એક કન્સલ્ટન્ટ નિયુક્ત કરવા બિડ મગાવી છે. તેમાં પ્રોજેક્ટના કોસ્ટનો અંદાજ અને ટાઈમલાઈન પણ આપવાની રહેશે.

આ રિપોર્ટના આધારે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડેલથી નવા ટેન્ડર બહાર પાડવામાં આવશે. ફેબ્રુઆરી 2019માં ઔડાની 274મી બોર્ડ મિટિંગમાં એપ્રિલ કંપનીને એસપી રિંગ રોડને પહોળો કરીને સિક્સ લેનનો બનાવવા માટે 200 કરોડ રૂપિયાનો પ્રોજેકટ આપવાનો નિર્ણય લેવાયો હતો. ત્યાર પછી એપ્રિલ કંપનીએ વધારાની કેટલીક છૂટછાટોની માંગણી કરી હતી. જેમ કે કંપનીની માંગ હતી કે 200 કરોડ રૂપિયાના રોકાણની સામે તેના એગ્રીમેન્ટને 2026ની એક્સપાયરી ડેટ પછી સાડા ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવે. આ ઉપરાંત પ્રોજેક્ટ કોસ્ટ મુજબ કન્સેશન એગ્રીમેન્ટને રિવાઈઝ કરવાની અને ટોલની આવક ઔડા સાથે શેર કરવા વિશે પણ કેટલીક છૂટછાટ માંગવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *