
વડોદરામાં હરણી મોટનાથ તળાવમાં બોટ પલટી જતા 12 વિદ્યાર્થી સહિત 14 લોકોના મોતથી હાહાકાર મચી ગયો હતો.વડોદરામાં ગુરુવારે ગોઝારી દુર્ઘટનામાં 14 લોકોના કરુણ મોત થયા છે. વડોદરાના હરણી સ્થિત મોટનાથ તળાવમાં એક બોટ પલટી ખાઇ જતા 12 વિદ્યાર્થી અને 2 શિક્ષક સહિત 14 લોકોના કરુણ મોત થયા છે. આ ગોઝારી ઘટનાથી વડોદરા સહિત સમગ્ર ગુજરાત શોક મગ્ન છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાની ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકોને હરણીના મોટનાથ તળાવે પ્રવાસે ગયા હતા. અહીં 23 જેટલા વિદ્યાર્થી અને 4 શિક્ષક એક જ બોટમાં બોટિંગ માટે બેઠા હતા, તે સમયે બોટ પલટી ગઈ હતી, જેમાં શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ તળાવમાં ડુબ્યા હતા. આ દૂર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ સહિત 2 શિક્ષકે જીવ ગુમાવ્યો છે. દૂર્ઘટનાની જાણ હતા રેસક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી અને 11 લોકોને બચાવવામાં સફળતા મળી છે, અન્યની શોધખોળ ચાલુ છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અનુસાર ઘટના સમયે બોટમાં લગભગ 27 લોકો સવાર હતા. જ્યારે 19 બાળકો અને ચાર શિક્ષકોને બહાર કાઢીને વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. જેમને બહાર કાઢવામાં આવ્યા હતા તેમાંથી લગભગ 6 ને SSG હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.વડોદરા હરણી મોટનાથ તળાવની બોટમાં બેસનાર વિદ્યાર્થીઓના વાલીઓ ઘટના સ્થળે પહોંચી પોતાના વ્હાલસોયા વિશે જાણકારી મેળવી રહ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે હરણી તળાવની દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય કરશે.વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે આક્ષેપ કરી તંત્રની બેદરકારી ગણાવી હતી, તેમણે કહ્યું કે, બાળકોને લાઈફ જેકેટ વગર બેસાડવામાં આવ્યા હતા, ઉપરાંત બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકો સહિત શિક્ષકોને બેસાડવામાં આવ્યા હતા. આ દુર્ઘટના માટે તેમણે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત અને ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યું.